શાળા ખાતે તારીખ 05/07/2025 ના રોજ આનંદદાયી શનિવારની ઉજવણી ઉમંગભેર સંપન્ન થઈ. દિવસની શરૂઆત પરંપરાગત રીતે પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને આજે આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપી.
પ્રારંભમાં તમામ વિદ્યાર્થીઓને હળવી કસરતો કરાવવામાં આવી જેથી દિવસને તાજગી અને ઉર્જા સાથે શરૂ કરી શકાય.
બાલવાટિકા થી ધોરણ 2ના નાનકડા બાળકોએ વિવિધ રમતો જેવી કે દડો અને ડોલ,આંગળીઓની કરામત, બોટલ ગેમ અને અભિનય ગીત સાથે ખૂબ આનંદ માણ્યો.
ધોરણ 3 થી 5 અને 6 થી 8ના વિદ્યાર્થીઑ માટે પ્રેરણાદાયી ફિલ્મ “Cypher”નું પ્રદર્શન કરવામાં આવ્યું. આ મૂવી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંઘર્ષ અને સફળતાની ભાવના વિકસાવવામાં આવી.
સાથે જ ધોરણ 5 થી 8ની વિદ્યાર્થી બહેનો માટે કલાત્મક “મેહંદી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ ડિઝાઇન બનાવીને છાત્રાઓએ પોતાની સર્જનાત્મકતા દર્શાવી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સ્થાન અનુસાર પ્રમાણપત્ર અને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ રીતે આ શનિવાર શાળાના દરેક બાળકો માટે ઉલ્લાસમય અને રોચક બની રહ્યો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો શાળાને સતત પ્રેરણા આપતા રહે છે